Wednesday, 19 November 2014

કંઈક તું કર બકા

ખંખેરી આળસ હવે ઉભો તું થા બકા
સફળતા જુએ રાહ ડગલાં તું માંડ બકા

થઇ જવા દે હવે આરપારનો ખેલ બકા
બતાવ જગતને તારી તાકાતની રેલ બકા

અત્યાર સુધી જે ન થયું એ હવે તું કર બકા
કહેવાતા દુખ તારા તું પોતે જ હર બકા

કર નહિ ફીકર રસ્તાની, ચાલે જ તું જા બકા
જાહોજલાલી છોડી ધૂળિયે મારગ ચાલ બકા

અગર પડે વિપદા તો હરિનું સ્મરણ કર બકા
ઝુકીશ નહિ ડરીશ નહિ ભલે તૂટે આભ બકા

કોઈ કહે ‘અપૂર્ણ’ એ પહેલા જ ‘પૂર્ણ’ તું થા બકા
તક મળ્યે તારું જીવન સઘળું ક્ષેમકુશળ કર બકા


                                          -ભાર્ગવ પટેલ

Wednesday, 12 November 2014

દુર્દશા આપણા ભારતની

કરવી છે વાત અને દોરવું છે સૌનું ધ્યાન,
જ્યાં ગર્વથી કહેવાય છે ‘મેરા ભારત મહાન’.

સ્થળે સ્થળે છે જ્યાં ભ્રષ્ટાચારની દુકાન,
ત્યાં ગર્વથી કહેવાય છે ‘મેરા ભારત મહાન’.

અહીં માત્ર પૈસો જ છે ફરજની સાચી શાન,
છતાં ગર્વથી કહેવાય છે ‘મેરા ભારત મહાન’.

નારીની સુરક્ષા પર છે સત્તાના આડા કાન,
છતાં ગર્વથી કહેવાય છે ‘મેરા ભારત મહાન’.

સારા વિચારોનું ટ્રકની પાછળ જ એક સ્થાન,
છતાં ગર્વથી કહેવાય છે ‘મેરા ભારત મહાન’.

ઘોર આતંકવાદથી ખદબદે છે પાડોશી શ્વાન,
છતાં ગર્વથી કહેવાય છે ‘મેરા ભારત મહાન’.

ગરીબની લાચારી બને છે ટી.આર.પી.ની આન,
છતાં ગર્વથી કહેવાય છે ‘મેરા ભારત મહાન’.


શ્રીમંતોના ખિસ્સામાં છે જેના કાનૂનની શાન,
છતાં ગર્વથી કહેવાય છે ‘મેરા ભારત મહાન’.


દેખીતું હોવા છતાં જ્યાં નથી ‘અપૂર્ણ’તાનું ધ્યાન,
છતાં પણ ગર્વથી કહેવાય છે ‘મેરા ભારત મહાન’.

આશા જાગી છે કે મંત્રીરૂપે છે ઉપસ્થિત 'એક પ્રધાન',
જે અર્થસભર ઉપજાવશે ઉક્તિ ‘મેરા ભારત મહાન’. 

                                                      
                                                      -ભાર્ગવ પટેલ 







Monday, 3 November 2014

વિશ્વાસ

કદાચ એવું બને કે  મારા પ્રયત્નો નિષ્ફળ જાય,
પણ એ સંભવ થાય  જો ‘કૃષ્ણ-વિધાન’ મિથ્યા થાય.

સંજોગો નિર્માય કે જયારે ઉદ્યમ અફળ જાય,
પણ એ સંભવ થાય  જો વ્યર્થ ઋષિ તપસ્યા થાય.

પરિસ્થિતિ સર્જાય કે જ્યાં મારો પરિહાસ થાય,
પણ એ સંભવ થાય  જો ‘ગીતા’નો ધ્વંસ સર્જાય.

પ્રતિકુળતા પ્રતીત થાય કે જેથી ભવિષ્ય જોખમાય,
પણ એ સંભવ થાય  જો ‘અલૌકિક’ તત્વ ભરખાય.

સંપૂર્ણ જગત નીરખીને “હું ‘અપૂર્ણ’”નો ભાસ થાય,
પણ એ સંભવ થાય  જો ‘કૃષ્ણ-વિધાન’ મિથ્યા થાય.
                                       -ભાર્ગવ પટેલ