Sunday, 19 July 2015

કંઈક મને સાંભરે

પથારી છોડતાંવેંત પરોઢે, પગતળેની ધરણીનો એ સ્પર્શ મને સાંભરે,
‘જલ્દી ઉઠ!’ના ભણકારે ઝરતો મારી મા-તણો એ સાદ મને સાંભરે.

શૂન્ય બનીને બેસી રહેતા, તાત-તણી એ વાતનો વિતર્ક મને સાંભરે,
હરેક વાતમાં એમના આપ્ત બનેલા સાથની નોખી ઝાંય મને સાંભરે.

જોબનવંતી વનિતાઓના વદને, ’ખુશ્બુ’ની મદ-સુગંધ મને સાંભરે,
એકમેકના હાથ ગૂંથવી, નિર્મેલો એ લાગણીસભર બંધ મને સાંભરે.

અંગે અડતા પાલિકા-જળથી, મારી મહી-તણા એ નીર મને સાંભરે,
ચા તો પીતાં પીવાય જાય, પણ નાસ્તામાં એ મીઠાશ મને સાંભરે.

એકલ ઓરડાની અનાથ-શી બારીએ, પંખીઓનો શોર મને સાંભરે,
કૃત્રિમ બાગ બગીચા નીરખી, તામ્રવર્ણ-શી મારી સીમ મને સાંભરે.

મરાઠી ને હિન્દીમાં હિલોળા લેતાં, મધમીઠી ગુજરાતી મને સાંભરે,
માનવ-દીવા તો જોયા,પણ માણસાઈના દીવાની જ્યોત મને સાંભરે.

અરેરે! સપ્ત્દીનોના સરવૈયામાં, કામ કરતા મારું ઠામ વધારે સાંભરે,
દી’ ગયા,આ સાલ પણ જવાનું, ‘બા’ની એ શાણી વાત મને સાંભરે.





Friday, 17 July 2015

શિક્ષણનું વ્યાપારીકરણ

એન્જીનીયરીંગ !!!!      એન્જીનીયરીંગ !!!!      એન્જીનીયરીંગ !!!!

સસ્તામાં સસ્તા ભાવે અમારી ‘ફલાણા’માન્ય ‘દુકાન’ ધ્વારા ઈજનેરી શાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન અદ્યતન પ્રશાધાનોની મદદથી તમારા મગજમાં ગળે શીરો ઉતરે તેમ ઉતારવામાં આવશે અને એ પણ માત્ર અને માત્ર રૂપિયા ૧ લાખ પ્રતિ વર્ષના ‘નજીવા’ દરે!! ઇસસે સસ્તા ઓર અચ્છા કહી નહિ.વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ!! મોકો ચુકતા નહિ.

આવી જાહેરાત કદાચ નજીકના ભવિષ્યમાં દૈનિકના પહેલા પાનાં પર જોવા મળે તો એટલીસ્ટ મને તો નવાઈ નહિ જ લાગે. કારણ કે મેં જે અનુભવ્યું છે અને હું જે પરિસ્થિતિ જોઉં છું એના અનુસંધાને આવનારા બે ચાર વર્ષોમાં આવું બનવાજોગ છે. આ વર્ષે ગુજરાત સરકાર ધ્વારા ખબર નઈ કયા માપદંડોના આધારે વધારારેલી અંદાજે અધધ.... ૭૨૦૦૦ સીટમાંથી ૧૫૦૦૦ સીટ ખાલી રહી. ૧૫૦૦૦ ખાલી રહી તો રહી પણ એમાંથી ૪૦૦૦ તો ઈજનેરીશાસ્ત્રના ભીષ્મ ગણાતા મીકેનીકલ ખાતામાં ભરાવવાની બાકી રહી.આ તો માત્ર ગુજરાતની જ વાત છે, બાકીના રાજ્યોનું તો શું ગણિત છે એનો વિચાર જ માંડી વાળવો રહ્યો...
                    આજથી ૪ વર્ષ પેહલા હું જયારે મીકેનીકલમાં દાખલ થયો ત્યારે પરિસ્થિતિ આટલી બધી વણસેલી નહતી. છેલ્લા ૧ ૨ વર્ષથી તો દર વર્ષે નવી ૭ કોલેજોને મંજુરી મળે છે અને એ પણ નોંધપાત્ર બેઠકો અને શાખાઓ સાથે!! ખબર નઈ કયા આધારે સરકાર આટલી બધી છૂટછાટ આપતી થઇ ગઈ.શિક્ષણનું સ્તર નીચું આવતું જાય છે અને બેઠકો વધતી જાય છે. બારમા ધોરણમાં ૩૯% મેરીટવાળો વિદ્યાર્થી પણ અત્યારે શોખથી કહે છે કે “ભાઈ આપડે તો એન્જીનીયરીંગ જ કરવાનું” અને કેમ ના બોલે યાર ! સરકાર મહેરબાન તો ઠોઠ પણ હોશિયાર. શિક્ષણનું આટલી હદે નિર્વસ્ર્ત્રીકરણ થાય એ હકીકત હજી મારા માનવામાં આવતી નથી. હમણાં તાજી જ ખબર એવી છે કે સરકારના ખરડા મુજબ જે વિદ્યાર્થીઓએ જેઈઈ પરિક્ષા માત્ર અપીયર કરી હોય એમને પણ એડમિશન આપો. કેમ? તો ખાલી સીટો ભરવા માટે... લ્યો!! હવે તો આગળ શું બોલાય!? જો આવું થવાનું હોય એ ખબર છે તો વધારે સીટ્સની મંજુરી શું કામ આપો છો? અને આ જ વણવિચાર્યા નિર્ણયોના લીધે બેરોજગારીનું પ્રમાણ પણ ભ્રષ્ટાચારની સમાંતર જ ‘દિન દુગુની રાત ચોગુની’ તરક્કી કરી રહ્યું છે. વળી અમુક સંસ્થાઓ તો કોઈ મલ્ટી નેશનલ કંપનીની માફક દર વરસે આશરે ૫૦૦૦ ઈજનેરોનું પ્રોડક્શન હાઉસ ખોલીને બેઠી છે. રાજ્યમાં કેટલા શિક્ષિત યુવાન છે એના કરતા કેટલા હાયલી ક્વોલીફાઈડ ગ્રેજ્યુએટ બેરોજગાર યુવાનો છે એની ગણતરી થાય તો કદાચ સરકારની આખો ખુલે અને એન્જીનીયરીંગને ધંધાકીય બનાવતી દુકાનો બંધ કરવાનો ખરડો પસાર કરે. ભણતર જરૂરીયાત મટીને બીઝનેસ બની ગયું છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં ભણતા છાત્રના આખા એન્જીનીયરીંગના ચારેય વર્ષના ખર્ચનો સરવાળો કરીએ તો ફી થી માંડીને રહેવા જમવા અને સ્ટેશનરી સહીત આખું ગ્રેજ્યુએશન 5 થી ૬ લાખમાં પડે (આ તો ખાલી એસીપીસી મારફત પ્રવેશનો ખર્ચ છે બાકી ‘ડોનેશન’ આધારે પ્રવેશનો ખર્ચો તો ભાઈ જે એડમીશન લે એના વાલી અને સંસ્થાના ‘ટ્રસ્ટીઓ’ જ જાણે) અને અંતે જયારે પૂરું કરીને જોબ મેળવવાનો વખત આવે ત્યારે પાસે ખાલી હાથમાં સર્ટીફીકેટ અને કાને ‘પછી જણાવીશું’ એવા વાહિયાત ઉત્તર સિવાય કશું રહી જતું નથી. ઈજનેરી શાખામાં જ નહિ, બીજી ઘણી બધી શાખાઓમાં આ પરિસ્થિતિ થવા પામી છે અને આ બધાનું કારણ ક્યાંક ને ક્યાંક કોલેજોને અપાતી અંધાધુંધ મંજુરી છે.
વળી વાલીઓ પણ હવે તો ખબર અને ગતાગમ વગર જ સંતાનોને એમના રસ અને કેલીબર જોયા વગર જ ઈજનેર બનાવવા તલપાપડ થતા હોય છે.મારી એમને એટલી જ વિનંતી છે કે ઈજ્નેરીશાશ્ત્ર જ એકલો વિકલ્પ નથી, ઘણા બધા બીજા ઓપ્શન્સ છે જેમાં તમારુ બાળક પોતાની સ્વાધીનતા અને સાર્થકતા સિદ્ધ કરી શકે એવું હોય છે પણ એ નક્કી કરવાવાળા માત્ર તમે છો. ગાડરિયા પ્રવાહમાં વહેવા કરતા થોડી આઉટ ઓફ ધ બોક્ષ વિચારસરણી અપનાવીને જોવાનો વખત હવે પાકી ગયો હોય એમ લાગે છે.
અહી, સરકારનો પણ અભિગમ બદલાવો અનિવાર્ય છે કારણ કે જો આવી પરીસ્થિતિ દેખાવા છતાંય રાજકારણમાંથી તમે ઊંચા ના આવો તો પછી તમને કોઈ કારણ વગર જ રાજ કરવા માટે ચૂંટ્યા એ આમ જનતાનો દંડનીય અપરાધ ગણાય.
યોર્કર‘ટ્રસ્ટી’ શબ્દમાં ‘ટ્રસ્ટ’ ભલે આવતો હોય પણ એમના ‘ટ્રસ્ટ’થી કદાચ તો જ ત્રસ્ત થવાય.    





નાનકડો પ્રસંગ

અમન તો એ નરમદાનું સોખ્ખું પોણી ભાવતું જ નહિ, કયડું કયડું લાગ. એનથી તો અમાર બાયણે સે એ  કુવાનું હારું લાગ”
સીત્તેરી વટાવી ગયેલી એક વયોવૃધ્ધાના મુખેથી ઉદભવેલા આ શબ્દો મને વિચારતો કરી ગયા.
હજી નજીકના ભૂતકાળમાં ઉજાગરો કરીને પૂરી કરેલી ધ્રુવ ભટ્ટની ‘તત્વમસિ’ની અસર મારામાં ઘર કરી ગઈ હતી અને એવામાં આ બા સાથે અનાયાસે જ થયેલી વાતચીત અને એમનો નર્મદાના પાણી પરનો વિરોધાભાસ મને જરાક ખૂંચ્યો.
હા! વર્ષોની ટેવ અને ભૂગર્ભના પાણીના ભાવી ગયેલા સ્વાદના અનુસંધાને એમની આ વાત જો કે વ્યાજબી તો હતી જ, એટલે મેં મારી પેઢીના લોકોની ફિલ્ટર કરેલા પાણી પીવાની ટેવનો બચાવ કરતા માજીને કહ્યું,
“બા! એ તો ક્લોરીન નાખીને પાણી ચોખ્ખું અને પીવાલાયક કરતા હશે એટલે, અને એવું જ પાણી પીવું જોઈએ.”
ત્યાં તો ક્ષણાર્ધમાં જ પ્રત્યુત્તર મળ્યો, “હોવ ભઈ, પન એ બધું જે કરે એ, લે! મન અન મારા ઘરનોન તો પેલુ ડબ્લોમાં પોણી મલ દુકોનોમ એ હોવ ના ભાવ, અમાર તો કુવો જ ખરો ભઈ!”
બહારગામ જાઉં ત્યારે બિસલરી અને એક્વાફીનાની બોટલના પાણીનો હિમાયતી એવો હું, એ વયોવૃધ્ધાની આ વાત જાણે અંગીકાર કરી ગયો. એકબાજુ કિનારાના તમામ ગામ, શહેર અને જંગલના આદિવાસીઓના ગળાનું સિંચન કરતી ઉભયાન્વાયી સરિતા એવી નર્મદા નહેરમાં પરિવર્તિત થતાની સાથે થોડી અવહેલના પામે એ વાત મને જરા અજુગતી તો લાગી જ.
જે નદીની પવિત્રતાની લોકો સોગંધ ખાય છે અને વિપત્તિ સમયે ‘નર્મદે હર!’નું ઉચ્ચારણ કરે એવી આનંદ આપનારી રેવાના શીતળ જળબિંદુઓ આ બાને ‘કયડાં’ લાગે છે. નિરંતર અવનવા વ્યક્તીત્વોનું સર્જન કરનારે જે આછી ભેદરેખા બનાવી છે એ ન દેખાવા છતાં જોવા જેવી તો ખરી.

હા! વાતાવરણ અને સ્થાન તેમજ રહેનીકરણીના ઝાઝા તફાવતના લીધે આ પરિસ્થિતિ ઉદ્ભવે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ હજીય ખબર નઈ કેમ મને આ ઘટના અજુગતી જ લાગે છે! કદાચ ‘તત્વમસી’ની અસર હજી મનમાં ક્યાંક અકબંધ હશે અને રહેશે.  

Wednesday, 1 July 2015

વિશ્વાસનો રકાસ

‘વિશ્વાસ’ : સ્પર્શી ન શકાય છતાં અનુભવી શકાતી લાગણી. જાણે-અજાણે, વાતે-વાતે જગતના તમામ લોકોના મોઢેથી લગભગ દરરોજ ઓછામાં ઓછો એક વાર તો આ શબ્દ સરતો જ હોય કે “ના લા! એ એવું ના કરે, મને એના પર વિશ્વાસ છે.” વિશ્વાસ એક સાર્વજનિક ધમની સમાન છે જે દુનિયાના હૃદયને હરહંમેશ આશાના રક્તપ્રવાહથી ધબકતું રાખે છે. જગ આખું વિશ્વાસની ધુરા પર ટકેલું વ્યતીત થાય છે.સવારે ઉઠવાથી લઈને રાત્રે સુતા સુધી એક એક મિનીટ કોઈના ને કોઈના પર ભરોસો રહે છે. પથારીમાંથી ઉભા થતાવેંત જ મમ્મીને દુધવાળા ભાઈ પર વિશ્વાસ હોય કે એ આટલા વાગે આવી જ જશે. આપણને મ્યુનીસીપાલીટીના નળ પર વિશ્વાસ હોય કે આજે પણ આમાં પાણી તો આવશે જ. બાથરૂમમાંથી બહાર નીકળતા નાકને મમ્મીના બનાવેલા ચા-નાસ્તાની સુગંધ પર વિશ્વાસ હોય તો કપડા ગઈ કાલે સાંજે ફોલ્ડ  થઇ ગયા હશે અને કબાટમાં એના નિર્ધારિત સ્થાન પર જ હશે એવો પત્ની પર વિશ્વાસ હોય. વળી ઘરમાંથી બહાર નીકળતાની સાથે રસ્તા પર રિક્ષા મળવાની જગ્યા પર વિશ્વાસ હોય.આવું બધું તો દિવસમાં અગણિત વાર થતું હોય છે, ભલે આપણને એનો અનુભવ ના થતો હોય પણ વિશ્વાસ મનના કોઈ ખૂણે મોજુદ હોય જ છે.
આ તો થઇ રોજીંદા વ્યવહારુ જીવનની વાત! જેમાં કદાચ વિશ્વાસ વ્યક્તિગત સ્વભાવમાં જ ગૂંથાયેલો હોય એટલે એની નોંધ જવલ્લે જ કોઈ લેતું હોય. પણ માંદગી વખતે ડોક્ટર પરનો વિશ્વાસ, ચૂંટેલા નેતા પર મુકાતો વિકાસનો વિશ્વાસ, પ્રેમિકાનો જેણે પોતાનું સર્વસ્વ સમર્પિત કર્યું હોય એ પ્રિયતમ પરનો વિશ્વાસ. આ બધું ભરોસાની ચરમસીમાનો ચિતાર આપે છે. વિશ્વાસ એ વિશ્વ માટે એક ચાલકબળની ગરજ સારે છે. કદાચ એવું કલ્પાય કે પૃથ્વીને પણ હૃદય હોય તો નિસંદેહ એનો ‘શ્વાસ’ માણસોનો એકબીજા પ્રત્યેનો ‘વિશ્વાસ’ જ હશે.જેને અત્યાર સુધી માત્ર અને માત્ર માર્બલની મૂર્તિ સ્વરૂપે જ જોયા છે એ ભગવાન પરનો આપનો વિશ્વાસ ગળથૂથીમાં મળેલી મોંઘામૂલી સોગાદ છે. ભલે એ કઈ બોલે નઈ અને નક્કર પ્રતિભાવ આપે પણ એની સામે બંને હાથ જોડી નતમસ્તક થવાથી એટલો ભરોસો તો બેસી જ જાય છે કે તમામ મુશ્કેલીઓનું વહેલું મોડું નિદાન પાક્કું જ છે. આ લાગણી એટલે ‘વિશ્વાસ’.
હા! કોઈ પણ સિક્કાની બે બાજુ હોય એ હકીકત અહિયાં આ કેસમાં પણ લાગુ પડે છે. કોઈક વાર કોઈના પર મુકેલો વધારે પડતો વિશ્વાસ આપણને ‘અતિ સર્વત્ર વર્જયેત’ની યાદ અપાવી દેતો હોય છે. જેટલી વાતો વિશ્વાસ પર થઇ શકે એટલી જ (અને કદાચ તો એનાથી પણ વધારે) વાતો ‘વિશ્વાસઘાત’ પર થઇ શકે. છાપાઓમાં રોજબરોજ પ્રકાશિત થતા વિશ્વાસઘાતના કિસ્સાઓ અમુક વાર વિશ્વસનીયતા ને ડહોળી જાય છે. ચંદ અસામાજિક તત્વો ધ્વારા કરાયેલા વાહિયાત કૃત્યો વિશ્વાસને કલંકિત કરે છે. પહેલા જે વ્યક્તિઓ કહેતાં  કે ‘અરે ભલા માણસ! તમે ક્યાં ભાગી જવાના છો? તમારા પર વિશ્વાસ છે’ એ જ વ્યક્તિઓ આજે સ્ટેમ્પ પેપર વાપરતા થઇ ગયા છે, અને આ પરિવર્તનનો હું સાક્ષી છું. આ બધું વિચારતા એક જ નિશ્કર્ષિત સવાલ મને મૂંઝવી જાય છે કે ‘શું કારણ છે આ વણમાગ્યા પરિવર્તનનું?’. પણ જવાબો શોધવામાં વિશ્લેષક મગજને પણ ફાંફાં પડી રહ્યા છે. અને અંતે વિચારશૂન્ય અવસ્થા જ હાથવગી રહી જાય છે.
(થોડામાં ઘણું :- પૃથ્વીનો પણ જો ECG(electro-cardiography) રીપોર્ટ નીકળી શકતો હોત તો કદાચ જે નળી બ્લોક થઇ ગઈ છે એની બાયપાસ સર્જરી થઇ શકી હોત.)