Monday, 5 June 2017

પેટ્રોલ અને ડીઝલ

પેટ્રોલ/ડીઝલ લાંબો સમય સુધી રહેવાનું નથી કે આપણે લાંબો સમય એને રાખવા સક્ષમ નથી?
----------------------------------------------------------
થોડા દિવસ પહેલા હેવમોર સર્કલના (હાલનું રોકસ્ટાર સર્કલ😉) ટ્રાફિક સિગ્નલ પર એક વિચાર આવ્યો. ગ્રીન સિગ્નલ થવા માટે લગભગ બે મિનિટ જેટલી વાર હતી એટલે મારી છેલ્લા દોઢ વર્ષથી પડેલી ટેવ મુજબ મેં બાઈકનું એન્જીન બંધ કર્યું. ધીમે ધીમે બાજુમાં વાહનોની સંખ્યા વધતી ગઈ, એક મિનિટ પછી હું બે/ત્રણ/ચાર પૈડાંવાળા વાહનોથી ઘેરાયો. એમાંથી બે ચારને બાદ કરતાં કોઈનુંય એન્જીન બંધ નહતું. આ લગભગ રોજનો સિનારિયો હતો. એ જોઈને મેં વિચાર્યું કે આમ એક સિગ્નલ પર કેટલું પેટ્રોલ/ડીઝલ વેસ્ટ થતું હશે? શહેરના દરેક સિગ્નલ પર કેટલું? ગુજરાતના દરેક સિટીમાં કેટલું? વગેરે વગેરે. સાંજે ઘરે પહોંચી ગૂગલબાબાને પૂછ્યું તો એમણે એક પીડીએફ આપી જેમાં કોઈ કોલેજના વિદ્યાર્થીઓએ એક ચોક્કસ સિટીના સાતથી આઠ ટ્રાફિક સિગ્નલોનો અઠવાડિયા સુધી સર્વે કર્યો અને અંતે મળેલ આંકડા ભયજનક રીતે નોંધણીય હતા. એક શહેરના સાત સિગ્નલ પર દરેક અઠવાડિયે લગભગ 2200 લિટર જેટલો પેટ્રોલ અને ડિઝલનો સંયુક્ત જથ્થો આઈડિયલ (એટલે કે વાહનની ન્યુટ્રલ) પોઝિશનમાં વેસ્ટ જતો હતો.(લિંક પહેલી કોમેન્ટમાં મુકેલી છે) આ આંકડાએ એક રીતે મને હચમચાવી નાખ્યો. જો એક સિટીના માત્ર સાત સિગ્નલ પર જ આવી હાલત હોય તો [(ટોટલ નંબર ઓફ સિટીઝ)×(સિટીવાઇઝ ટોટલ નંબર ઓફ ટ્રાફિક સિગ્નલ)× (2200÷7)]નો એપ્રોક્સીમેટ આંકડો કેટલે પહોંચે?!?!! ઇન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ એકલા દિલ્હીમાં દરરોજ 40000 લિટર પેટ્રોલ/ડીઝલ આમ જ વેસ્ટ જાય છે.
આ બચાવવા શું કરવું એ કહેવાની જરૂર નથી. પણ છતાંય કહું કે સિમ્પલ છે, ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન સિગ્નલ પહેલા વાહનનું એન્જીન બંધ રાખવું અને ગ્રીન સિગ્નલની ગંધ આવવા મંડે એની બે સેકન્ડ પહેલા એન્જીન ફરીથી સ્ટાર્ટ કરવું. પોતાનું વાહન માત્ર ઓન ઓફ કરીને આગામી પેઢીને થોડું વધારે પેટ્રોલ/ડીઝલ ગિફ્ટ આપી શકાય એનાથી સહેલું બીજું શું હોઈ શકે!
કેટલાંક કિક સ્ટાર્ટ બાઈકર્સને વળી એમ પણ થાય કે દરેક સિગ્નલ પર એન્જીન બંધ કરીને ફરી ચાલુ કરવા કિકો મારે કોણ? તો એમને મારે કશું કહેવું નથી, પણ એટલિસ્ટ સેલ સ્ટાર્ટ વાહનો જેમની પાસે છે એ લોકોય જો આ અનુસરે તો કદાચ પેટ્રોલ/ડીઝલ આપણી પછીની નિર્ધારિત કરેલી પેઢીઓ કરતા એકાદ બે પેઢી વધારે ચાલે..નહીં?
(તા.ક. - અહીં કોઈ મને 'ગાંધીજીની ગોળ ખાવાની ટેવ' વાળી વાત કહે તો એમને પહેલા જ કહેવાનું કે મેં મારા રોજના ઇમ્પ્લીમેન્ટેશન પછી જ આ લખ્યું છે. આંખો ખોલવી જરૂરી છે, નહીં તો ખાડાની જાણ હોય છતાં બંધ આંખે એમાં પડી જવું એ ક્યાંની સમજણ?!)

No comments:

Post a Comment