Monday 5 June 2017

પેટ્રોલ અને ડીઝલ

પેટ્રોલ/ડીઝલ લાંબો સમય સુધી રહેવાનું નથી કે આપણે લાંબો સમય એને રાખવા સક્ષમ નથી?
----------------------------------------------------------
થોડા દિવસ પહેલા હેવમોર સર્કલના (હાલનું રોકસ્ટાર સર્કલ😉) ટ્રાફિક સિગ્નલ પર એક વિચાર આવ્યો. ગ્રીન સિગ્નલ થવા માટે લગભગ બે મિનિટ જેટલી વાર હતી એટલે મારી છેલ્લા દોઢ વર્ષથી પડેલી ટેવ મુજબ મેં બાઈકનું એન્જીન બંધ કર્યું. ધીમે ધીમે બાજુમાં વાહનોની સંખ્યા વધતી ગઈ, એક મિનિટ પછી હું બે/ત્રણ/ચાર પૈડાંવાળા વાહનોથી ઘેરાયો. એમાંથી બે ચારને બાદ કરતાં કોઈનુંય એન્જીન બંધ નહતું. આ લગભગ રોજનો સિનારિયો હતો. એ જોઈને મેં વિચાર્યું કે આમ એક સિગ્નલ પર કેટલું પેટ્રોલ/ડીઝલ વેસ્ટ થતું હશે? શહેરના દરેક સિગ્નલ પર કેટલું? ગુજરાતના દરેક સિટીમાં કેટલું? વગેરે વગેરે. સાંજે ઘરે પહોંચી ગૂગલબાબાને પૂછ્યું તો એમણે એક પીડીએફ આપી જેમાં કોઈ કોલેજના વિદ્યાર્થીઓએ એક ચોક્કસ સિટીના સાતથી આઠ ટ્રાફિક સિગ્નલોનો અઠવાડિયા સુધી સર્વે કર્યો અને અંતે મળેલ આંકડા ભયજનક રીતે નોંધણીય હતા. એક શહેરના સાત સિગ્નલ પર દરેક અઠવાડિયે લગભગ 2200 લિટર જેટલો પેટ્રોલ અને ડિઝલનો સંયુક્ત જથ્થો આઈડિયલ (એટલે કે વાહનની ન્યુટ્રલ) પોઝિશનમાં વેસ્ટ જતો હતો.(લિંક પહેલી કોમેન્ટમાં મુકેલી છે) આ આંકડાએ એક રીતે મને હચમચાવી નાખ્યો. જો એક સિટીના માત્ર સાત સિગ્નલ પર જ આવી હાલત હોય તો [(ટોટલ નંબર ઓફ સિટીઝ)×(સિટીવાઇઝ ટોટલ નંબર ઓફ ટ્રાફિક સિગ્નલ)× (2200÷7)]નો એપ્રોક્સીમેટ આંકડો કેટલે પહોંચે?!?!! ઇન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ એકલા દિલ્હીમાં દરરોજ 40000 લિટર પેટ્રોલ/ડીઝલ આમ જ વેસ્ટ જાય છે.
આ બચાવવા શું કરવું એ કહેવાની જરૂર નથી. પણ છતાંય કહું કે સિમ્પલ છે, ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન સિગ્નલ પહેલા વાહનનું એન્જીન બંધ રાખવું અને ગ્રીન સિગ્નલની ગંધ આવવા મંડે એની બે સેકન્ડ પહેલા એન્જીન ફરીથી સ્ટાર્ટ કરવું. પોતાનું વાહન માત્ર ઓન ઓફ કરીને આગામી પેઢીને થોડું વધારે પેટ્રોલ/ડીઝલ ગિફ્ટ આપી શકાય એનાથી સહેલું બીજું શું હોઈ શકે!
કેટલાંક કિક સ્ટાર્ટ બાઈકર્સને વળી એમ પણ થાય કે દરેક સિગ્નલ પર એન્જીન બંધ કરીને ફરી ચાલુ કરવા કિકો મારે કોણ? તો એમને મારે કશું કહેવું નથી, પણ એટલિસ્ટ સેલ સ્ટાર્ટ વાહનો જેમની પાસે છે એ લોકોય જો આ અનુસરે તો કદાચ પેટ્રોલ/ડીઝલ આપણી પછીની નિર્ધારિત કરેલી પેઢીઓ કરતા એકાદ બે પેઢી વધારે ચાલે..નહીં?
(તા.ક. - અહીં કોઈ મને 'ગાંધીજીની ગોળ ખાવાની ટેવ' વાળી વાત કહે તો એમને પહેલા જ કહેવાનું કે મેં મારા રોજના ઇમ્પ્લીમેન્ટેશન પછી જ આ લખ્યું છે. આંખો ખોલવી જરૂરી છે, નહીં તો ખાડાની જાણ હોય છતાં બંધ આંખે એમાં પડી જવું એ ક્યાંની સમજણ?!)

વિચાર વિમર્શ

#વિચાર_વિમર્શ

"તમે બાહુબલી જોયું?"
"ના ના! એ બધું આપણાં કામનું જ નહીં"
થોડા ઘણા પરિચય વિષયક સંવાદોની આપ લે થયા પછી મેં એમણે અમસ્તું જ પૂછ્યું.

થોડા વખત પહેલા કેમિકલની એક નામાંકિત કંપની કામથી જવાનું થયેલું. થોડી વાર ટ્રાયલ એન્ડ એરરથી પ્રોબ્લેમ રિઝોલ્વ થઈ ગયો પણ યુનિટ અન્ડર ઓબ્ઝર્વેશન હતું એટલે પેનલ ઓફિસમાં બેસવા સિવાય કોઈ વિકલ્પ નહતો. ત્યાં મુલાકાત થઈ એક ઓપરેટર સાથે! એક્ચ્યુલી એક મોટી ઉંમરના ઓપરેટર સાથે જે લગભગ મારા દાદાના સમવયસ્ક હતા. લગભગ વીસ વર્ષથી આ જ જગ્યાએ સર્વિસ આપતા.

"બઉ ચાલ્યું પણ.. જોવા જેવું છે", મેં કહ્યું.
"અમેય બઉ ચાલ્યા એમ તો! અમને જોવા કોઈ નઈ આવ્યું.. હાહાહા"
હું પણ હસ્યો.
"અમારે એ બધું જૂનું થયું હવે તો અધ્યાત્મના રસ્તે છીએ"
"એટલે ભજન સાંભળવા, આખ્યાન સાંભળવા, દીવો આરતી કરવું એ બધું?"
"ખરેખર એ બધું આધ્યાત્મ છે જ નહીં સાહેબ"
મને ઝટકો લાગ્યો અને કુતુહલ પણ થયું કે ચર્ચા રસપ્રદ થશે.
"તો પછી શું  છે આધ્યાત્મ?", મેં પણ કશું જ ન જાણતો હોય એમ પૂછ્યું.
"તમને શું લાગે છે?"
"ભગવાનને મેળવવા થતી તપસ્યા?"
"તો પછી ભગવાન કોણ છે?"
"બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, કૃષ્ણ એ બધા. આઈ મીન પરમાત્મા"
"એ બધા પરમાત્મા કે દેવાત્મા?"
"ઓબવ્યસલી પરમાત્મા જ ને"
"ત્રણેયને એક જ શબ્દમાં શું કહેવાય?"
"ત્રિદેવ", મેં કહ્યું
"બસ તો જવાબ મળ્યો ને તમને?"
"હમ્મ! તો પરમાત્મા કોણ?"
"ચાર આત્મા હોય. પ્રેતાત્મા, જીવાત્મા, દેવાત્મા અને પરમાત્મા"
"બરાબર"
"દેવ બન્યા પછી પરમ તત્વ એટલે કે પરમાત્માને ના પામી શકાય એટલે જ દેવોએ મનુષ્ય અવતારને દુર્લભ ગણ્યો છે"
"કેમ?"
"સાદી વાત છે. કૃષ્ણ એ વિષ્ણુના મનુષ્ય અવતાર હતા બરાબર?"
"હા, બરાબર!"
"હવે જો વિષ્ણુ જાતે જ પરમાત્માને પામી શકતા હોત અથવા તો પોતે જ પરમાત્મા હોત તો એમણે  મનુષ્યવતાર કેમ લીધો? અને પોતે ગુરુ બનવાની ક્ષમતા હોવા છતાં સાંદિપની ઋષિ કે જે હતા તો મહાન ઋષિ પણ અંતે તો સામાન્ય મનુષ્ય જ ને?  તોય એમને પોતાના ગુરુ બનાવ્યા, બરાબર?"
"હમ્મ. મતલબ કે દેવાત્મા એ જીવાત્મા થકી પરમાત્માને પામી શકે પણ જીવાત્મા જો ધારે તો સીધો જ પરમાત્મામાં વિલીન થઈ શકે"
"બરાબર સમજ્યા તમે! એટલે આધ્યાત્મ મતલબ કે જીવાત્માનું પરમાત્મા સાથે સીધું જોડાણ પણ વાયા કોઈ સદપુરુષ કે જેને શાસ્ત્રોમાં સદગુરુ કહ્યા છે"
"તમે નહીં કહો તો ચાલશે", મેં છેલ્લે કહ્યું.
"તમારા જેટલો હતો ત્યારે મારુ જ્ઞાન ચોક્કસ તમારાથી ઓછું જ હશે.. એ હિસાબે 'તમે' તો બને જ ને"એમણે કહ્યું, "અને હવે જવું હોય તો નીકળો આ તો ચાલ્યા કરશે હવે", એમણે યુનિટ તરફ આંગળી ચીંધીને કહ્યું.
#એક_આધ્યાત્મિક_અનુભવ