Friday, 12 June 2015

ઋતુનો પહેલો વરસાદ

અધોગામી દિશામાં, આમ હાથવેંતમાં તો નઈ પણ થોડીક જ ઉંચાઈએ, પાણીની ઉષ્માભરી બાષ્પમાંથી આકાર લેતું શીતળ જળબિંદુ એ નથી જાણતું કે પોતે ક્યાં જઈને વિલય પામશે. પણ હા! એને મન એટલી સાંત્વના જરૂર હશે કે એ જ્યાં પણ વિલયિત થશે ત્યાં કદાચ એની ઠંડકનો તરસ્યો ‘મારા જેવો’ કોઈ રાહ જોતો હશે.
                     ઋતુની પહેલી વર્ષા જાણે કોઈ વણઉકેલાયેલી ‘પહેલી’ના ઉત્તર સ્વરૂપે ચહેરા પર કુદરતી R.O.ના પાણીનો ફુવારો મારી જતી હોય છે. વાદળનો ઘડઘડાટ ખેતરના પાળે બેઠેલા ખેડુતના ચહેરા પરથી પાકની સિંચાઈની સમસ્યાને અલવિદા કરી દે છે. બંજર રણપ્રદેશનો કોઈ ‘રણખેડુ’ વરસભરની કાળઝાળ ગરમીથી પોતાની જાતને અળગી થતી મહેસૂસ કરે છે.
                    આ તો થઇ એકદમ સામાન્યતઃ જોવા મળતી પરિસ્થિતિ. પણ આ બધાની વચ્ચે કોઈ એવું પણ હોય છે જે આકાશમાંથી ખરતી વરસાદની ધારના અરીસામાં પોતાના  ભૂતકાળનું પ્રતિબિંબ જોતું હોય છે. માટીની ભીની ‘ખુશ્બુ’માં કોઈક તો હોય જ, જે એના અતીતની પુમાસથી તરબતર થતું હોય છે. વર્તમાનમાં ભલે ખુશીથી ઠાંસીને ભરેલું હોય, પણ ક્યાંક તો જૂની યાદો અને જુના કિસ્સા એની આંખોમાંથી અશ્રુબિંદુના આકારે ગાલ પર સરકીને વાંકીચુકી ભીની રેખાઓ ચહેરા પર અંકિત કરી જાય છે. મનના કોઈ ખૂણે કેદ કરેલી સ્મૃતિઓ એક પછી એક slideshow ની માફક વરસાદના ચિત્રપટ પર ફ્લેશ થવા લાગે છે. આ ‘કોઈ’ તમે પણ હોઈ શકો કે હું પણ હોઈ શકું કે પછી ‘પ્રેમ’ કરી ચૂકેલું કોઈ પણ વ્યક્તિ હોઈ શકે.
                      પહેલો વરસાદ ખેડૂતો માટે ભવિષ્યની ઝાંખી લઈને આવે છે જયારે સાગરખેડુને વર્તમાન પરિસ્થિતિ માટેની ચેતવણી આપે છે પરંતુ માત્ર એકવાર પણ મોહબ્બતનો મુરબ્બો ચાખી ચુકેલાઓ માટે એ વર્તમાનના ઝાકળ પર યાદોના પ્રકાશથી ભૂતકાળને ચમકાવી જાય છે. સીઝનનો પહેલો વરસાદ એ સમજાવી જાય છે કે ‘જો ભયલુ! અતીત એ કોઈ દુખદ ઘટના નથી કે જેને યાદ કરીને હંમેશા ઉદાસ જ થવું જોઈએ’ ઉલટાનું એવો સંદેશ આપે છે કે ‘સમય જતો રહે છે અને પછીથી માત્ર એની યાદોની પગદંડી જ રહી જાય છે. એટલે મન મુકીને અતીતના વાદળ છોડી ભવિષ્યની ધરતી પર મુશળધાર વરસી પાડો એ જ વર્તમાન’.

(તા.ક. :-  જો કે પહેલા વરસાદ પછીના તમામ વરસાદ માત્ર કીચડ અને કાદવ જ ઉત્પન્ન કરતા હોય છે પણ આ તો ખાલી પહેલા વરસાદની જ વાત છે.)

No comments:

Post a Comment