‘વિશ્વાસ’ : સ્પર્શી ન શકાય છતાં અનુભવી
શકાતી લાગણી. જાણે-અજાણે, વાતે-વાતે જગતના તમામ લોકોના મોઢેથી લગભગ દરરોજ ઓછામાં
ઓછો એક વાર તો આ શબ્દ સરતો જ હોય કે “ના લા! એ એવું ના કરે, મને એના પર વિશ્વાસ
છે.” વિશ્વાસ એક સાર્વજનિક ધમની સમાન છે જે દુનિયાના હૃદયને હરહંમેશ આશાના રક્તપ્રવાહથી
ધબકતું રાખે છે. જગ આખું વિશ્વાસની ધુરા પર ટકેલું વ્યતીત થાય છે.સવારે ઉઠવાથી
લઈને રાત્રે સુતા સુધી એક એક મિનીટ કોઈના ને કોઈના પર ભરોસો રહે છે. પથારીમાંથી
ઉભા થતાવેંત જ મમ્મીને દુધવાળા ભાઈ પર વિશ્વાસ હોય કે એ આટલા વાગે આવી જ જશે. આપણને
મ્યુનીસીપાલીટીના નળ પર વિશ્વાસ હોય કે આજે પણ આમાં પાણી તો આવશે જ. બાથરૂમમાંથી બહાર
નીકળતા નાકને મમ્મીના બનાવેલા ચા-નાસ્તાની સુગંધ પર વિશ્વાસ હોય તો કપડા ગઈ કાલે
સાંજે ફોલ્ડ થઇ ગયા હશે અને કબાટમાં એના
નિર્ધારિત સ્થાન પર જ હશે એવો પત્ની પર વિશ્વાસ હોય. વળી ઘરમાંથી બહાર નીકળતાની
સાથે રસ્તા પર રિક્ષા મળવાની જગ્યા પર વિશ્વાસ હોય.આવું બધું તો દિવસમાં અગણિત વાર
થતું હોય છે, ભલે આપણને એનો અનુભવ ના થતો હોય પણ વિશ્વાસ મનના કોઈ ખૂણે મોજુદ હોય
જ છે.
આ તો થઇ રોજીંદા વ્યવહારુ
જીવનની વાત! જેમાં કદાચ વિશ્વાસ વ્યક્તિગત સ્વભાવમાં જ ગૂંથાયેલો હોય એટલે એની
નોંધ જવલ્લે જ કોઈ લેતું હોય. પણ માંદગી વખતે ડોક્ટર પરનો વિશ્વાસ, ચૂંટેલા નેતા
પર મુકાતો વિકાસનો વિશ્વાસ, પ્રેમિકાનો જેણે પોતાનું સર્વસ્વ સમર્પિત કર્યું હોય એ
પ્રિયતમ પરનો વિશ્વાસ. આ બધું ભરોસાની ચરમસીમાનો ચિતાર આપે છે. વિશ્વાસ એ વિશ્વ
માટે એક ચાલકબળની ગરજ સારે છે. કદાચ એવું કલ્પાય કે પૃથ્વીને પણ હૃદય હોય તો
નિસંદેહ એનો ‘શ્વાસ’ માણસોનો એકબીજા પ્રત્યેનો ‘વિશ્વાસ’ જ હશે.જેને અત્યાર સુધી
માત્ર અને માત્ર માર્બલની મૂર્તિ સ્વરૂપે જ જોયા છે એ ભગવાન પરનો આપનો વિશ્વાસ
ગળથૂથીમાં મળેલી મોંઘામૂલી સોગાદ છે. ભલે એ કઈ બોલે નઈ અને નક્કર પ્રતિભાવ આપે પણ
એની સામે બંને હાથ જોડી નતમસ્તક થવાથી એટલો ભરોસો તો બેસી જ જાય છે કે તમામ
મુશ્કેલીઓનું વહેલું મોડું નિદાન પાક્કું જ છે. આ લાગણી એટલે ‘વિશ્વાસ’.
હા! કોઈ પણ સિક્કાની બે
બાજુ હોય એ હકીકત અહિયાં આ કેસમાં પણ લાગુ પડે છે. કોઈક વાર કોઈના પર મુકેલો વધારે
પડતો વિશ્વાસ આપણને ‘અતિ સર્વત્ર વર્જયેત’ની યાદ અપાવી દેતો હોય છે. જેટલી વાતો
વિશ્વાસ પર થઇ શકે એટલી જ (અને કદાચ તો એનાથી પણ વધારે) વાતો ‘વિશ્વાસઘાત’ પર થઇ
શકે. છાપાઓમાં રોજબરોજ પ્રકાશિત થતા વિશ્વાસઘાતના કિસ્સાઓ અમુક વાર વિશ્વસનીયતા ને
ડહોળી જાય છે. ચંદ અસામાજિક તત્વો ધ્વારા કરાયેલા વાહિયાત કૃત્યો વિશ્વાસને કલંકિત
કરે છે. પહેલા જે વ્યક્તિઓ કહેતાં કે ‘અરે
ભલા માણસ! તમે ક્યાં ભાગી જવાના છો? તમારા પર વિશ્વાસ છે’ એ જ વ્યક્તિઓ આજે
સ્ટેમ્પ પેપર વાપરતા થઇ ગયા છે, અને આ પરિવર્તનનો હું સાક્ષી છું. આ બધું વિચારતા
એક જ નિશ્કર્ષિત સવાલ મને મૂંઝવી જાય છે કે ‘શું કારણ છે આ વણમાગ્યા
પરિવર્તનનું?’. પણ જવાબો શોધવામાં વિશ્લેષક મગજને પણ ફાંફાં પડી રહ્યા છે. અને
અંતે વિચારશૂન્ય અવસ્થા જ હાથવગી રહી જાય છે.
(થોડામાં ઘણું :- પૃથ્વીનો પણ જો ECG(electro-cardiography) રીપોર્ટ નીકળી શકતો હોત તો કદાચ જે નળી બ્લોક થઇ ગઈ છે
એની બાયપાસ સર્જરી થઇ શકી હોત.)
No comments:
Post a Comment