“અમન તો એ નરમદાનું સોખ્ખું પોણી ભાવતું જ નહિ, કયડું કયડું
લાગ. એનથી તો અમાર બાયણે સે એ કુવાનું
હારું લાગ”
સીત્તેરી વટાવી ગયેલી એક
વયોવૃધ્ધાના મુખેથી ઉદભવેલા આ શબ્દો મને વિચારતો કરી ગયા.
હજી નજીકના ભૂતકાળમાં
ઉજાગરો કરીને પૂરી કરેલી ધ્રુવ ભટ્ટની ‘તત્વમસિ’ની અસર મારામાં ઘર કરી ગઈ હતી અને
એવામાં આ બા સાથે અનાયાસે જ થયેલી વાતચીત અને એમનો નર્મદાના પાણી પરનો વિરોધાભાસ
મને જરાક ખૂંચ્યો.
હા! વર્ષોની ટેવ અને
ભૂગર્ભના પાણીના ભાવી ગયેલા સ્વાદના અનુસંધાને એમની આ વાત જો કે વ્યાજબી તો હતી જ,
એટલે મેં મારી પેઢીના લોકોની ફિલ્ટર કરેલા પાણી પીવાની ટેવનો બચાવ કરતા માજીને
કહ્યું,
“બા! એ તો ક્લોરીન નાખીને
પાણી ચોખ્ખું અને પીવાલાયક કરતા હશે એટલે, અને એવું જ પાણી પીવું જોઈએ.”
ત્યાં તો ક્ષણાર્ધમાં જ
પ્રત્યુત્તર મળ્યો, “હોવ ભઈ, પન એ બધું જે કરે એ, લે! મન અન મારા ઘરનોન તો પેલુ
ડબ્લોમાં પોણી મલ દુકોનોમ એ હોવ ના ભાવ, અમાર તો કુવો જ ખરો ભઈ!”
બહારગામ જાઉં ત્યારે બિસલરી
અને એક્વાફીનાની બોટલના પાણીનો હિમાયતી એવો હું, એ વયોવૃધ્ધાની આ વાત જાણે અંગીકાર
કરી ગયો. એકબાજુ કિનારાના તમામ ગામ, શહેર અને જંગલના આદિવાસીઓના ગળાનું સિંચન કરતી
ઉભયાન્વાયી સરિતા એવી નર્મદા નહેરમાં પરિવર્તિત થતાની સાથે થોડી અવહેલના પામે એ
વાત મને જરા અજુગતી તો લાગી જ.
જે નદીની પવિત્રતાની લોકો
સોગંધ ખાય છે અને વિપત્તિ સમયે ‘નર્મદે હર!’નું ઉચ્ચારણ કરે એવી આનંદ આપનારી
રેવાના શીતળ જળબિંદુઓ આ બાને ‘કયડાં’ લાગે છે. નિરંતર અવનવા વ્યક્તીત્વોનું સર્જન
કરનારે જે આછી ભેદરેખા બનાવી છે એ ન દેખાવા છતાં જોવા જેવી તો ખરી.
હા! વાતાવરણ અને સ્થાન તેમજ
રહેનીકરણીના ઝાઝા તફાવતના લીધે આ પરિસ્થિતિ ઉદ્ભવે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ
હજીય ખબર નઈ કેમ મને આ ઘટના અજુગતી જ લાગે છે! કદાચ ‘તત્વમસી’ની અસર હજી મનમાં
ક્યાંક અકબંધ હશે અને રહેશે.
No comments:
Post a Comment