Sunday, 19 July 2015

કંઈક મને સાંભરે

પથારી છોડતાંવેંત પરોઢે, પગતળેની ધરણીનો એ સ્પર્શ મને સાંભરે,
‘જલ્દી ઉઠ!’ના ભણકારે ઝરતો મારી મા-તણો એ સાદ મને સાંભરે.

શૂન્ય બનીને બેસી રહેતા, તાત-તણી એ વાતનો વિતર્ક મને સાંભરે,
હરેક વાતમાં એમના આપ્ત બનેલા સાથની નોખી ઝાંય મને સાંભરે.

જોબનવંતી વનિતાઓના વદને, ’ખુશ્બુ’ની મદ-સુગંધ મને સાંભરે,
એકમેકના હાથ ગૂંથવી, નિર્મેલો એ લાગણીસભર બંધ મને સાંભરે.

અંગે અડતા પાલિકા-જળથી, મારી મહી-તણા એ નીર મને સાંભરે,
ચા તો પીતાં પીવાય જાય, પણ નાસ્તામાં એ મીઠાશ મને સાંભરે.

એકલ ઓરડાની અનાથ-શી બારીએ, પંખીઓનો શોર મને સાંભરે,
કૃત્રિમ બાગ બગીચા નીરખી, તામ્રવર્ણ-શી મારી સીમ મને સાંભરે.

મરાઠી ને હિન્દીમાં હિલોળા લેતાં, મધમીઠી ગુજરાતી મને સાંભરે,
માનવ-દીવા તો જોયા,પણ માણસાઈના દીવાની જ્યોત મને સાંભરે.

અરેરે! સપ્ત્દીનોના સરવૈયામાં, કામ કરતા મારું ઠામ વધારે સાંભરે,
દી’ ગયા,આ સાલ પણ જવાનું, ‘બા’ની એ શાણી વાત મને સાંભરે.





No comments:

Post a Comment