એન્જીનીયરીંગ !!!! એન્જીનીયરીંગ
!!!! એન્જીનીયરીંગ !!!!
સસ્તામાં સસ્તા ભાવે અમારી
‘ફલાણા’માન્ય ‘દુકાન’ ધ્વારા ઈજનેરી શાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન અદ્યતન પ્રશાધાનોની
મદદથી તમારા મગજમાં ગળે શીરો ઉતરે તેમ ઉતારવામાં આવશે અને એ પણ માત્ર અને માત્ર
રૂપિયા ૧ લાખ પ્રતિ વર્ષના ‘નજીવા’ દરે!! ઇસસે સસ્તા ઓર અચ્છા કહી નહિ.વહેલા તે
પહેલાના ધોરણે પ્રવેશ!! મોકો ચુકતા નહિ.
આવી જાહેરાત કદાચ નજીકના
ભવિષ્યમાં દૈનિકના પહેલા પાનાં પર જોવા મળે તો એટલીસ્ટ મને તો નવાઈ નહિ જ લાગે.
કારણ કે મેં જે અનુભવ્યું છે અને હું જે પરિસ્થિતિ જોઉં છું એના અનુસંધાને આવનારા
બે ચાર વર્ષોમાં આવું બનવાજોગ છે. આ વર્ષે ગુજરાત સરકાર ધ્વારા ખબર નઈ કયા
માપદંડોના આધારે વધારારેલી અંદાજે અધધ.... ૭૨૦૦૦ સીટમાંથી ૧૫૦૦૦ સીટ ખાલી રહી.
૧૫૦૦૦ ખાલી રહી તો રહી પણ એમાંથી ૪૦૦૦ તો ઈજનેરીશાસ્ત્રના ભીષ્મ ગણાતા મીકેનીકલ
ખાતામાં ભરાવવાની બાકી રહી.આ તો માત્ર ગુજરાતની જ વાત છે, બાકીના રાજ્યોનું તો શું
ગણિત છે એનો વિચાર જ માંડી વાળવો રહ્યો...
આજથી ૪ વર્ષ પેહલા હું જયારે મીકેનીકલમાં દાખલ
થયો ત્યારે પરિસ્થિતિ આટલી બધી વણસેલી નહતી. છેલ્લા ૧ ૨ વર્ષથી તો દર વર્ષે નવી ૭ કોલેજોને
મંજુરી મળે છે અને એ પણ નોંધપાત્ર બેઠકો અને શાખાઓ સાથે!! ખબર નઈ કયા આધારે સરકાર
આટલી બધી છૂટછાટ આપતી થઇ ગઈ.શિક્ષણનું સ્તર નીચું આવતું જાય છે અને બેઠકો વધતી જાય
છે. બારમા ધોરણમાં ૩૯% મેરીટવાળો વિદ્યાર્થી પણ અત્યારે શોખથી કહે છે કે “ભાઈ આપડે
તો એન્જીનીયરીંગ જ કરવાનું” અને કેમ ના બોલે યાર ! સરકાર મહેરબાન તો ઠોઠ પણ
હોશિયાર. શિક્ષણનું આટલી હદે નિર્વસ્ર્ત્રીકરણ થાય એ હકીકત હજી મારા માનવામાં આવતી
નથી. હમણાં તાજી જ ખબર એવી છે કે સરકારના ખરડા મુજબ જે વિદ્યાર્થીઓએ જેઈઈ પરિક્ષા
માત્ર અપીયર કરી હોય એમને પણ એડમિશન આપો. કેમ? તો ખાલી સીટો ભરવા માટે... લ્યો!!
હવે તો આગળ શું બોલાય!? જો આવું થવાનું
હોય એ ખબર છે તો વધારે સીટ્સની મંજુરી શું કામ આપો છો? અને આ જ વણવિચાર્યા
નિર્ણયોના લીધે બેરોજગારીનું પ્રમાણ પણ ભ્રષ્ટાચારની સમાંતર જ ‘દિન દુગુની રાત
ચોગુની’ તરક્કી કરી રહ્યું છે. વળી અમુક સંસ્થાઓ તો કોઈ મલ્ટી નેશનલ કંપનીની માફક
દર વરસે આશરે ૫૦૦૦ ઈજનેરોનું પ્રોડક્શન હાઉસ ખોલીને બેઠી છે. રાજ્યમાં કેટલા
શિક્ષિત યુવાન છે એના કરતા કેટલા હાયલી ક્વોલીફાઈડ ગ્રેજ્યુએટ બેરોજગાર યુવાનો છે
એની ગણતરી થાય તો કદાચ સરકારની આખો ખુલે અને એન્જીનીયરીંગને ધંધાકીય બનાવતી દુકાનો
બંધ કરવાનો ખરડો પસાર કરે. ભણતર જરૂરીયાત મટીને બીઝનેસ બની ગયું છે એમ કહેવામાં
જરાય અતિશયોક્તિ નથી. સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં ભણતા છાત્રના આખા એન્જીનીયરીંગના
ચારેય વર્ષના ખર્ચનો સરવાળો કરીએ તો ફી થી માંડીને રહેવા જમવા અને સ્ટેશનરી સહીત
આખું ગ્રેજ્યુએશન 5 થી ૬ લાખમાં પડે (આ તો ખાલી એસીપીસી મારફત પ્રવેશનો ખર્ચ છે
બાકી ‘ડોનેશન’ આધારે પ્રવેશનો ખર્ચો તો ભાઈ જે એડમીશન લે એના વાલી અને સંસ્થાના
‘ટ્રસ્ટીઓ’ જ જાણે) અને અંતે જયારે પૂરું કરીને જોબ મેળવવાનો વખત આવે ત્યારે પાસે
ખાલી હાથમાં સર્ટીફીકેટ અને કાને ‘પછી જણાવીશું’ એવા વાહિયાત ઉત્તર સિવાય કશું રહી
જતું નથી. ઈજનેરી શાખામાં જ નહિ, બીજી ઘણી બધી શાખાઓમાં આ પરિસ્થિતિ થવા પામી છે
અને આ બધાનું કારણ ક્યાંક ને ક્યાંક કોલેજોને અપાતી અંધાધુંધ મંજુરી છે.
વળી વાલીઓ પણ હવે તો ખબર
અને ગતાગમ વગર જ સંતાનોને એમના રસ અને કેલીબર જોયા વગર જ ઈજનેર બનાવવા તલપાપડ થતા
હોય છે.મારી એમને એટલી જ વિનંતી છે કે ઈજ્નેરીશાશ્ત્ર જ એકલો વિકલ્પ નથી, ઘણા બધા
બીજા ઓપ્શન્સ છે જેમાં તમારુ બાળક પોતાની સ્વાધીનતા અને સાર્થકતા સિદ્ધ કરી શકે
એવું હોય છે પણ એ નક્કી કરવાવાળા માત્ર તમે છો. ગાડરિયા પ્રવાહમાં વહેવા કરતા થોડી
આઉટ ઓફ ધ બોક્ષ વિચારસરણી અપનાવીને જોવાનો વખત હવે પાકી ગયો હોય એમ લાગે છે.
અહી, સરકારનો પણ અભિગમ
બદલાવો અનિવાર્ય છે કારણ કે જો આવી પરીસ્થિતિ દેખાવા છતાંય રાજકારણમાંથી તમે ઊંચા
ના આવો તો પછી તમને કોઈ કારણ વગર જ રાજ કરવા માટે ચૂંટ્યા એ આમ જનતાનો દંડનીય
અપરાધ ગણાય.
યોર્કર : ‘ટ્રસ્ટી’ શબ્દમાં ‘ટ્રસ્ટ’ ભલે આવતો હોય પણ એમના
‘ટ્રસ્ટ’થી કદાચ તો જ ત્રસ્ત થવાય.
No comments:
Post a Comment